એક સાંજ

જૂન 25, 2009

ધીમી ધીમે સાંજ ઢળે આંગણામાં ખુરશી ઢાળીને કોઈ
આથમતા સૂરજના કિરણો સંગાથ હવે
રાત્રિના આગમનનો હળુ હળુ કરે છે સ્વીકાર નિર્વિકાર.

પડોશીની અગાશીએ મોર
જોયા કરે હળવેથી એમ થોડી વાર…
તેને પણ ઘર હશે
તેને પણ હશે એક પોતીકો આવાસ હશે કશું દૂર કે નજીક…
હશે હશે સમયની સાન….
તેને પણ કરવાનું હશે કૈં પ્રયાણ

પવનની લહરોમાં
સામે ઘેર દાદીમાઓ ઓટલે બેસીને ભેળાં
ગાઈ રહ્યાં સહજનું ગાન….
શહેર ને ગામડાની
અડોશને પડોશની
દિવાલની આરપાર ઓગળતું ઓગળે આ
અગમને નિગમનું જ્ઞાન

સૂરજ ને તારકોનો
કોને કોનો મળી રહે સફળ સંગાથ…
જોઈ લીધું જાણી લીધું
કરવાનું પુરું કીધું…
અને હવે ખુરશીમાં બેઠા બેઠા
કરે કોઈ સકલ સ્વીકાર નિર્વિકાર….

– ધૈવત શુક્લ 17.06.2009

ભમતા ને ભમવાનું,
રમતાને રમવાનું.

જમતાને જમવાનું,
વમતાને વમવાનું.

દમતાને દમવાનું,
નમતાને નમવાનું.

શમતાને શમવાનું ,
થમતા ને થમવાનું,

ખમતાને ખમવાનું.
ગમતાને ગમવાનું .

– ધૈવત શુક્લ
11.03.2009

અસ્તિત્વ

જુલાઇ 17, 2008

હોવાપણાનો
ગર્વ
ઓગળી ગયા પછી
રહ્યું છે ફક્ત
હોવાનું ગૌરવ...

-ધૈવત શુક્લ
15.07.2008

 પથ્થર સાથે રહી રહી પણ

નથી થયો પથ્થરનો –

કારણ કે હું માણસ છું.

 

પાછળથી એ ઘાત કરે, આઘાત કરે, પ્રતિઘાત કરે

પણ સામે મોઢે લળીલળીને વાત કરે છે –

કારણ કે હું માણસ છું.

 

હોવું જાણે તડકો તીખો,

ઉનાળાનો ઉનો ઉનો,

છતાય જાણે લાગે છે કે

સ્હેજ બચી છે ભીતરમાં ભીનાશ –

કારણ કે હું માણસ છું.

 

સદીઓથી જે ચાલ્યું આવે, ચાલે છે, ને ચાલ્યાં કરશે,

સાચ જૂઠની ભેળસેળની

સમીપ રહીને શોધું મારી જાત –

કારણ કે હું માણસ છું.

 

ઉંઘ વગરની આંખો બળતી મોડી રાતે

નથી કોઈ આજુબાજુ કે સાથે સાથે

કોક વાર હું ફુલ, પાંદડા, પતંગિયા

ને પંખીઓની વાત કરું છું –

કારણ કે હું માણસ છું.

 

 

 

   ધૈવત શુક્લ

 માર્ચ, ૨૦૦૩.

 

એક મુક્તક

ફેબ્રુવારી 11, 2008

નિત્ય નૂતન છું પ્રવાસી,
હું જ છું એ દિવ્યશ્વાસી.

પરકમા પુરી કરીને,
થઈ ગયો અંતર નિવાસી.

ધૈવત શુક્લ
જુલાઈ, 1993.

આસમાની છત્ર છાયા…

જાન્યુઆરી 22, 2008

આજ તો આનંદની સર્વત્ર છાયા,
રંગ ઊડે છે, સુગંધી અત્ર છાયા !

જે કંઈ વાવ્યું બધું ઊગી ગયું છે,
થઈ ગઈ ઘેઘૂર સઘળી પત્ર છાયા !

ગાઢ ઊંઘેથી અમે જાગી ગયાં, ને –
સ્વપ્નની દુનિયા બધી અન્યત્ર છાયા !

જે હતું તે એમને આપી દીધું છે,
લઈ લીધી છે આસમાની છત્ર છાયા !

મૌનની સુરખી છવાઈ છે અજબ,
શબ્દની પુરી થઈ છે સત્ર-છાયા !

ધૈવત શુક્લ
13.08.1993

છાયા રહી…

જાન્યુઆરી 11, 2008

ગાન આ પુરું થયું ને સૂરની છાયા રહી,
એક ક્ષણમા વહી ગયેલા પુરની છાયા રહી !

સાત સમદર પાર જો પહોંચી જવાયું છે હવે,
સહુ સ્મરણનું વિસ્મરણ, ભરપુરની છાયા રહી !

મૌનનું ગુજન થતાં વાચાળતા વિરમી ગઈ,
આંખ સામે દેવતાઈ નૂરની છાયા રહી !

એ અહંકારી ધનુર્ધારી ગયો ક્યાં ઓગળી ?
વાત એવી કંઈ બની, એ શૂરની છાયા રહી !

ઘર નહીં, ઉંબર નહીં, આંગણ નહીં ને કંઈ નહીં,
બસ અતલ અવકાશમાં કો દૂરની છાયા રહી !

ધૈવત શુક્લ
17.08.1993

કંઈક ઊગ્યું અંદરથી આજે, દૈવત સઘળું મહીં વિરાજે, પવન હવે પાથરણું પાથર !
ઘૂઘવે નાદ સમંદર ઘેરો, ચલો લગાવો અહીં જ ડેરો, ચંદ્ર હવે ચાંદરણું પાથર !

અહીંઆ કે ત્યાં ફેર નથી કંઈ, કશુંય કડવું ઝેર નથી કંઈ, જગત મહીં કંઈ વેર નથી, ને
સહજ સરકતું, લયે લહરતું ચિત્ત વિરાજે નીલ ગગન પર, સૂરજ કંચનવરનણું પાથર !

જળહળ ઝળહળ તેજ પંજ થઈ, સમય સમયનો અવસર થઈને ઊડે શ્વાસોચ્છ્વાસ હવામાં
સ્વટિક સમા નિતરેલા, નિમિલિત નેત્રોમાંથી વહી રહેલા વારી હવે નિર્ઝરણું પાથર !

કેમ કરી સમઝાવું તમને, હું ને તું ની રમત મઝાની, રમતા રમતા શેષ કશું ના,
પહેરીને આ વેશ મઝાનો, વેશ છતા અણવેશ મઝાનો, આભ હવે આભરણું પાથર !

ધૈવત શુક્લ
મે, ૧૯૯૩.

(નોંધ: હું અને પંચમભાઈ ઊનાળાની એક બપોરે દાહોદ ખાતે બેસી અને કશુંક લખવા મથતા હતા. પંચમભાઈને વિચાર આવ્યો અને એ બોલી ઊઠ્યા “પવન હવે પાથરણું પાથર”… અને આ રચના, આ સર્જન…)

મારા આંગણામાં ઉગેલું

શ્રીપર્ણીનું વૃક્ષ

મને બોલાવે છે મારા નામથી

કેમકે

હું પણ તેને 

એના નામથી બોલાવું છું.

જે રેતી પર મારા પગલાં પડે છે

તે રેતીનાં કણ પણ મને બોલાવે છે મારા નામથી.

સવારે સૂરજ પણ

જગાડે છે મને

હળવેથી મારું નામ દઈને,

કેમકે હું જ છું શ્રીપર્ણીનું વૃક્ષ,

હું જ છું એ ધૂળ કે જેના પર હું ચાલું છું,

અને હું જ છું એ સૂર્ય,

દેદિપ્યમાન,

પોતાના તેજથી પ્રકાશિત…

ધૈવત શુક્લ

માર્ચ, ૨૦૦૩

હું જોઉ છું

સપ્ટેમ્બર 26, 2007

અવકાશમાં દીપી રહેલા વૃત્તને હું જોઉ છું !
જુગ જુના ઝળહળ ઝળળ સંવૃત્તને હું જોઉ છું !

આજે અહીં, કાલે ત્યહીં, ક્યારે કહીં, સમજાય છે,
શૂન્યતાને, કર્મના પ્રવૃત્તને હું જોઉ છું !

જે બધું છે, તે નથી કૈં, તેજ છે ચારે તરફ,
નાદના ગર્જનરૂપી આ નૃત્તને હું જોઉ છું !

હું મને જોઈ રહ્યો ને શૂન્યનો સમદર થયો !
કંઈ નહીંના વારિથી આવૃત્તને હું જોઉ છું !

આજ તો સમજાય છે કે પામવાનું શું હતું,
આચ્છાદનો ચાલ્યાં ગયાં, પરિવૃત્તને હું જોઉ છું !

ધૈવત શુક્લ
1993.