હવે તો…

જુલાઇ 27, 2007

કવિતાને
પાંખો ફુટી છે આજે
ને
હવે તો

કરે છે ઉડાઉડ
મારા અસ્તિત્વના અવકાશમાં…  

ધૈવત શુક્લ
માર્ચ, ૨૦૦૩

Advertisements

વહેલી સવારે…

જુલાઇ 27, 2007

હું નથી શ્રવણ
કે નથી મારા માતા-પિતાને કોઇ યાત્રા કરવાની એષણા…
પણ
એ મારા માતા-પિતા છે
ને હું છું એમનો પુત્ર
એટલે મોડી રાત્રે લખાએલી
એક કવિતા એમના ચરણે, વહેલી સવારે…  

ધૈવત શુક્લ
માર્ચ, ૨૦૦૩

સોહામણી

જુલાઇ 22, 2007

આંગણે આવી મદમાત સોહામણી,
તારકોથી મઢી રાત સોહામણી.

એકની દૃષ્ટિનો પાત, સોહામણી,
એકની સૃષ્ટિ રળિયાત સોહામણી.

ફુલ ખીલી રહ્યાં સાત, સોહામણી,
ચોતરફ મઘમઘે જાત સોહામણી.

દ્રગ નિરખતા ભલીભાત સોહામણી,
ભીતરે શોભતી ભાત સોહામણી.

પવનથી કંપતા પાત, સોહામણી.
એમ સ્પર્શી રહ્યાં ગાત, સોહામણી,

તું જ છે એ ખરેખાત, સોહામણી?
જે મને થઈ રહી જ્ઞાત સોહામણી ?

કોઈ કરતું રહ્યું વાત સોહામણી,
કોઈ સુણતું ગયું વાત સોહામણી…

ઉર્ધ્વમાંથી નર્યું કૈં ઝર્યું મુળ લગ,
ને થયું એમ પરભાત, સોહામણી !

ધૈવત શુક્લ
૫ ઓગસ્ટ, ૨૦૦૫

એક

સવાર પડી ગઈ છે
કોઇ જાગે કે ન પણ જાગે…
તું તો જાગી ગયો છે ને ?

તું સાંભળીશ તો સંભળાશે તને પંખીઓનું ગાન
તું જોઇશ તો દેખાશે તને કેસરી રંગે રંગાએલું આકાશ
ને દેખાશે તને સુર્યોદય…

કોઇ જાગે કે ન પણ જાગે
તું તો જાગી ગયો છે ને ?

બે.

આજે સવારમાં
એક પંખી આવી
અને બારી ઊપર બેઠું
ને ગાવા લાગ્યું,

મારી આંખો ખુલી
અને એનું સંગીત મારા રોમેરોમમાં
શ્વાસોછ્વાસમાં રેલાઇ ગયું

મારી આંખો ખુલી
ને પાંખ પસારીને હવે
હું પણ કરું છું વિહાર…

ને હવે 
છે અનંત અવકાશ
મારા રોમેરોમમાં….

ત્રણ.

સવાર પડે
ને કદાચ જાગી પણ જવાય
પણ જો ઊંઘવું હોય તો ઊંઘી પણ શકાય
અને જો ઊંઘી રહેવાય તો કદાચ સવાર ન પણ પડે…

પણ જો જાગી શકાય તો ?

કદાચ…
બારીની બહાર લીમડાનું ઝાડ
તેની પેલેપાર આકાશ
અને આકાશની પણ પેલેપાર……

ચાર.

મને ગમે
કે ન પણ ગમે
પણ
સવાર તો પડશે જ
ને
ઊંઘમાંથી તો ઉઠવાનું જ છે…
કદાચ આજે નહીં તો કાલે
કાલે નહીં તો પરમ દિવસે…
તો
આજે જ જાગીને જગત શા માટે ન  જોઉં ?

ધૈવત શુક્લ
સન 2002

સવાર

કદાચ…

જુલાઇ 21, 2007

અંધકારને
જો જોઈ શકું
તો
અજવાળી શકું
મારા અસ્તિત્વને
કદાચ….

અજવાળું (ફોટો: ધૈવત શુક્લ) http://flickr.com/photos/dhaivatshukla/