વણથંભી વણઝાર…

ઓગસ્ટ 27, 2007

સપનાઓ વિખરાયાં
એવા વિખરાયાં કે પથરાયાં ચોપાસ
વૃક્ષ, વલ્લીઓ થઈને ઊગ્યાં
ફોર્યાં સહજ સુગંધીત પુષ્પ
ઝૂલ્યાં રંગ રંગના ફળ…
ફળ ઊગ્યાં તો એવા ઊગ્યાં
પાકીને વેરાયા ચારેકોર
વેરાઈ વેરાઈ સર્જ્યાં નવા નવા સપનાઓ
ને ધૂળ ઊડાડે સપનાની આ વણથંભી વણઝાર….

સપનાઓ વિલસે
સહજ સરકતા
રેશમ સરીખા
સપનાઓ સપનામાં સઘળે વિલસે
રંગ રંગ ઊડે
રંગ મહીં સહું બૂડે
સપનાઓ સહુ સહુના
સપનાઓ સહિયારા
છિન્નભિન્ન થઈ વેરાયાં ચોપાસ
ફરીથી સપનાની દુનિયામાં વિલસે સપનાઓની વણથંભી વણઝાર….

એક ટહુકો
રંગ રંગના સાજ સજે
ને સપનાના સરવરને તીરે
વૃક્ષ ઊપરથી ઊતરી આવે…
વિહરે અવની પર, આકાશે…
ક્ષણમાં સપનાઓ સરજાતાં
ક્ષણમાં સપનાઓ મુરઝાતાં
સઘળે છત્ર છવાયું સપનાનું
ને સપનામાં આવીને ટહુકે સપનાઓની વણથંભી વણઝાર….

ધૈવત શુક્લ
31.08.1993

Advertisements

એક મુક્તક

ઓગસ્ટ 18, 2007

ગા હવે તું, ગગન ગુંજે,
પહોંચવાનું તેજ પુંજે,

તું કૃપા-કેદાર ગાજે,
મહેક પ્રસરે કુંજ કુંજે !

ધૈવત શુક્લ
ઓગસ્ટ, 1993.

શું છે બધું ?

ઓગસ્ટ 18, 2007

જે કંઈ દેખાય છે, સંભળાય છે, શું છે બધું ?
સમજ કંઈ પડતી નથી, અકળાય છે, શું છે બધું ?

નામધારી જે કંઈ વસ્તુ વિનાશી છે બધી,
નાશ પામીને ફરી સરજાય છે શું છે બધું ?

શ્વાસ ને ઉચ્છ્વાસનું કારણ કંઈ જડતું નથી,
પ્રશ્ન એવો છે કે સહુ ચકરાય છે, શું છે બધું ?

વસ્તુને સુંઘો, સુણો, જુઓ, અડો, ચાખો, જરા,
પાંચ છે પણ એક થઈ પથરાય છે, શું છે બધું ?

એક ક્ષણ, ને ગગન ગુંજે જળહળે જળ, સ્થળ, સકળ,
હું પણું યે વ્યાપ્ત થઈ વિસરાય છે, શુ છે બધું ?

ધૈવત શુક્લ
1993.

ક્ષણ

ઓગસ્ટ 12, 2007

દ્વાર પર આવી અને અફળાય ક્ષણ,
કૈંક સંદેશા અકળ કહી જાય ક્ષણ.

હાથમાં ખાલી ક્ષણોનો જામ આ,
એક ક્ષણમાં તો ફરી ઊભરાય ક્ષણ.

આજ લગ તો કાળ જે બંધન સ્વયં,
એ જ આભૂષણ બને, પહેરાય ક્ષણ.

તત્ત્વનું મંથન થતાં જે નીપજ્યું,
તે હળાહળને પચાવી જાય ક્ષણ.

વાદળી જેવું પ્રથમ સરતી સરલ,
ને પછીથી વૃષ્ટિની થઈ જાય ક્ષણ.

ડૂબતું હું ક્ષણ પછીની ક્ષણ મહીં,
સાત સમદર પાર જો લઈ જાય ક્ષણ.

ધૈવત શુક્લ
1994-94

પહોંચશું…

ઓગસ્ટ 7, 2007

કુટિલતાથી સરલતા સુધી પહોંચશું,
એ ભલે ના કહે હા સુધી પહોંચશું !

એક ફુલડું ઊગે છે અહીં બાગમાં,
જાણ એને નથી ક્યાં સુધી પહોંચશું !

શબ્દના ચમકતા લક્ષ્યને જોઈને,
લક્ષ્યને વેધવા ત્યાં સુધી પહોંચશું !

એક સપનું હવે સાચ થઈ વિલસતું,
સાચની સાથ સપના સુધી પહોંચશું !

સૂર્યની કેસરી કેશવાળી ગ્રહી,
તેજની તેજ છાયા સુધી પહોંચશું !

ગૂઢતાના સમંદર મહીં જળહળે,
એક નજરે જ પામ્યા સુધી પહોંચશું !

ધૈવત શુક્લ
1993

મિત્ર એટલે…

ઓગસ્ટ 4, 2007

મિત્ર એટલે મળવા જેવો માણસ,
મિત્ર એટલે હળવા જેવો માણસ,
મિત્ર એટલે ભળવા જેવો માણસ,
મિત્ર એટલે કળવા જેવો માણસ,
મિત્ર એટલે રળવા જેવો માણસ,
મિત્ર સહુને ફળવા જેવો માણસ…!

મિત્ર એટલે પરથમ પહલો શ્વાસ,
મિત્ર એટલે હોવાનો અહેસાસ,
મિત્ર એટલે જળહળતો અજવાસ,
મિત્ર એટલે છેવટ લગ સહવાસ,
મિત્ર એટલે મળવા જેવો માણસ !

મિત્ર એટલે ઊઘડતું આકાશ,
મિત્ર એટલે સૂરજનો પરકાશ,
મિત્ર એટલે આંખોની ભીનાશ,
મિત્ર એટલે હૈયાની હળવાશ,
મિત્ર એટલે હળવા જેવો માણસ…!

મિત્ર એટલે મૂળપણાને શોધે
મિત્ર એટલે પોતાને સંશોધે,
મિત્ર એટલે અંતરને ઉદ્બોધે,
મિત્ર એટલે વહે વિના અવરોધે,
મિત્ર એટલે ભળવા જેવો માણસ…!

મિત્ર એટલે શાણપણે જે ઠરિયો,
મિત્ર એટલે વ્હાલપનો સમદરિયો
મિત્ર એટલે દરિયો જેને વરિયો
મિત્ર એટલે સમદર જેણે હરિયો
મિત્ર એટલે કળવા જેવો માણસ…!

મિત્ર એટલે નીલી નીલી ઝાંય,
મિત્ર એટલે શીળી શીતળ છાંય,
મિત્ર એટલે પકડી લે જે બાંહ્ય,
મિત્ર એટલે ઉભો રહે  જે વાંહ્ય,
મિત્ર એટલે રળવા જેવો માણસ…!

મિત્ર એટલે વરસે અનરાધાર
મિત્ર એટલે અણદીઠો આધાર
મિત્ર એટલે સહેજ કરે ના વાર,
મિત્ર એટલે અજવાળું ઝોકાર,
મિત્ર સહુને ફળવા જેવો માણસ…!

ધૈવત શુક્લ
૦૪.૦૫.૨૦૦૭

એક સંદર્ભ: બપોરે આ કવિતા લખાયા પછી સાંજે ઘરે આવી અને કવિશ્રી રાજેન્દ્ર શુક્લને આ રચના બતાવી. તેમની પાસેથી એક બે વાત જાણવા મળી જે નીચે પ્રમાણે છે.  આ રચનાનું સ્વરુપ “મુસદ્દસ” એટલે કે ષટ્પદી અને “મુખમ્મસ” એટલે કે પંચપદી છે. આ પ્રકારનું સ્વરુપ પૂર્વે દયારામ અને અક્ષયદાસની (અખા) રચનાઓમાં જોવા મળે છે જેને છપ્પય કે છપ્પા કહે છે.

(નોંધ: આ રચના મૈત્રી દિવસની પૂર્વસંધ્યાએ “સહિયરું સર્જન” બ્લોગ પર ઊર્મીસાગરના આમંત્રણના પ્રત્યુત્તર રૂપે…)

સાવ અચાનક…

ઓગસ્ટ 4, 2007

સાવ અચાનક આવી ઊભું મારે દ્વારે,
કેમ કરીને ટાળું કેમ નીકળું બારે ?

જરાક અમથું ઇચ્છું કે હું ભાગી નીકળું
આવીને સંતાઈ રહેતું મનની ધારે !

કોને પુછું કયા મારગે કોણ આવતું,
છાનુંમાનું મનની ધારે વારે વારે ?

સહજ ગાન ને સહજ બજે છે રણઝણ ઝીણી,
કહેતી જાણે સદા વસું છું અંતર તારે !

હું ય તણાઉં અમથી આ લીલાના લયમાં
થનગન થનગન થતું વિશ્વ એના અણસારે !

ધૈવત શુક્લ
૧૦.૦૯.૧૯૯૨.