એક

સવાર પડી ગઈ છે
કોઇ જાગે કે ન પણ જાગે…
તું તો જાગી ગયો છે ને ?

તું સાંભળીશ તો સંભળાશે તને પંખીઓનું ગાન
તું જોઇશ તો દેખાશે તને કેસરી રંગે રંગાએલું આકાશ
ને દેખાશે તને સુર્યોદય…

કોઇ જાગે કે ન પણ જાગે
તું તો જાગી ગયો છે ને ?

બે.

આજે સવારમાં
એક પંખી આવી
અને બારી ઊપર બેઠું
ને ગાવા લાગ્યું,

મારી આંખો ખુલી
અને એનું સંગીત મારા રોમેરોમમાં
શ્વાસોછ્વાસમાં રેલાઇ ગયું

મારી આંખો ખુલી
ને પાંખ પસારીને હવે
હું પણ કરું છું વિહાર…

ને હવે 
છે અનંત અવકાશ
મારા રોમેરોમમાં….

ત્રણ.

સવાર પડે
ને કદાચ જાગી પણ જવાય
પણ જો ઊંઘવું હોય તો ઊંઘી પણ શકાય
અને જો ઊંઘી રહેવાય તો કદાચ સવાર ન પણ પડે…

પણ જો જાગી શકાય તો ?

કદાચ…
બારીની બહાર લીમડાનું ઝાડ
તેની પેલેપાર આકાશ
અને આકાશની પણ પેલેપાર……

ચાર.

મને ગમે
કે ન પણ ગમે
પણ
સવાર તો પડશે જ
ને
ઊંઘમાંથી તો ઉઠવાનું જ છે…
કદાચ આજે નહીં તો કાલે
કાલે નહીં તો પરમ દિવસે…
તો
આજે જ જાગીને જગત શા માટે ન  જોઉં ?

ધૈવત શુક્લ
સન 2002

સવાર

કદાચ…

જુલાઇ 21, 2007

અંધકારને
જો જોઈ શકું
તો
અજવાળી શકું
મારા અસ્તિત્વને
કદાચ….

અજવાળું (ફોટો: ધૈવત શુક્લ) http://flickr.com/photos/dhaivatshukla/