અસ્તિત્વ
July 17, 2008
હોવાપણાનો ગર્વ ઓગળી ગયા પછી રહ્યું છે ફક્ત હોવાનું ગૌરવ... -ધૈવત શુક્લ 15.07.2008
કારણ કે હું માણસ છું…
June 26, 2008
પથ્થર સાથે રહી રહી પણ
નથી થયો પથ્થરનો –
કારણ કે હું માણસ છું.
પાછળથી એ ઘાત કરે, આઘાત કરે, પ્રતિઘાત કરે
પણ સામે મોઢે લળીલળીને વાત કરે છે –
કારણ કે હું માણસ છું.
હોવું જાણે તડકો તીખો,
ઉનાળાનો ઉનો ઉનો,
છતાય જાણે લાગે છે કે
સ્હેજ બચી છે ભીતરમાં ભીનાશ –
કારણ કે હું માણસ છું.
સદીઓથી જે ચાલ્યું આવે, ચાલે છે, ને ચાલ્યાં કરશે,
સાચ જૂઠની ભેળસેળની
સમીપ રહીને શોધું મારી જાત –
કારણ કે હું માણસ છું.
ઉંઘ વગરની આંખો બળતી મોડી રાતે
નથી કોઈ આજુબાજુ કે સાથે સાથે
કોક વાર હું ફુલ, પાંદડા, પતંગિયા
ને પંખીઓની વાત કરું છું –
કારણ કે હું માણસ છું.
- ધૈવત શુક્લ
માર્ચ, ૨૦૦૩.
શ્રીપર્ણીનું વૃક્ષ
October 19, 2007
મારા આંગણામાં ઉગેલું
શ્રીપર્ણીનું વૃક્ષ
મને બોલાવે છે મારા નામથી
કેમકે
હું પણ તેને
એના નામથી બોલાવું છું.
જે રેતી પર મારા પગલાં પડે છે
તે રેતીનાં કણ પણ મને બોલાવે છે મારા નામથી.
સવારે સૂરજ પણ
જગાડે છે મને
હળવેથી મારું નામ દઈને,
કેમકે હું જ છું શ્રીપર્ણીનું વૃક્ષ,
હું જ છું એ ધૂળ કે જેના પર હું ચાલું છું,
અને હું જ છું એ સૂર્ય,
દેદિપ્યમાન,
પોતાના તેજથી પ્રકાશિત…
ધૈવત શુક્લ
માર્ચ, ૨૦૦૩