એક સાંજ

June 25, 2009

ધીમી ધીમે સાંજ ઢળે આંગણામાં ખુરશી ઢાળીને કોઈ
આથમતા સૂરજના કિરણો સંગાથ હવે
રાત્રિના આગમનનો હળુ હળુ કરે છે સ્વીકાર નિર્વિકાર.

પડોશીની અગાશીએ મોર
જોયા કરે હળવેથી એમ થોડી વાર…
તેને પણ ઘર હશે
તેને પણ હશે એક પોતીકો આવાસ હશે કશું દૂર કે નજીક…
હશે હશે સમયની સાન….
તેને પણ કરવાનું હશે કૈં પ્રયાણ

પવનની લહરોમાં
સામે ઘેર દાદીમાઓ ઓટલે બેસીને ભેળાં
ગાઈ રહ્યાં સહજનું ગાન….
શહેર ને ગામડાની
અડોશને પડોશની
દિવાલની આરપાર ઓગળતું ઓગળે આ
અગમને નિગમનું જ્ઞાન

સૂરજ ને તારકોનો
કોને કોનો મળી રહે સફળ સંગાથ…
જોઈ લીધું જાણી લીધું
કરવાનું પુરું કીધું…
અને હવે ખુરશીમાં બેઠા બેઠા
કરે કોઈ સકલ સ્વીકાર નિર્વિકાર….

- ધૈવત શુક્લ 17.06.2009

5 Responses to “એક સાંજ”


  1. ભાઈ
    આપણા ઘરના આંગણામાં આવતાં મોર અને ઢેલ.. (હજી આવે છે ?)
    આપણા બાની સામે વાળા બા સાથે ભજન અને ધૂનની મંદ પણ કર્ણપ્રિય નાદ !

    મામ હિંચકે અને ઈપાપા આંખો બંધ કરી છાતી ઉપર ચોપડી ક્ષણભર ઊંધી ટેકવી આરામ-ખુરશીમાં !
    એક આખું – મઝાનું, સાંજનું , સહજ જીવનનું ચિત્ર ખડું થઈ ગયું.

  2. Tejas Shah Says:

    સરસ વર્ણન! મોરને પણ હશે એક પોતીકો આવાસ હશે કશું દૂર કે નજીક….મઝાની કલ્પનાછે!

  3. himanshupatel555 Says:

    એક ઠરીઠામ સ્થિતિ ‘ નિર્વિકાર’માંથી ઉદભવેલાં ચિત્રો
    સાંજને વિસ્તારી અંગતમાંથી સાતત્ય તરફ દોરી જાય છે,

    ‘દિવાલની આરપાર ઓગળતું ઓગળે આ
    અગમને નિગમનું જ્ઞાન…

    અને હવે ખુરશીમાં બેઠા બેઠા
    કરે કોઈ સકલ સ્વીકાર નિર્વિકાર

    સાંજના ઊંડાણમાં ઉમેરાયેલું દાદીમાનું અગમને નિગમનું
    જ્ઞાન.. સારી વાત છે.

    dhaivat meet me @ http;//himanshupatel555,wordpress.com thank u


Leave a Reply